પંખીઓનો મેળો – શાહબુદ્દીન રાઠોડ
(Copied from rdgujarati with little bit of editing from me)જીવનમાં અપેક્ષાઓ જેટલી ઓછી તેટલો આનંદ વધુ. પ્રવાસમાં અમારી અપેક્ષા બારી પાસે જગ્યા મળે અને પાસે ટિકિટ હોય એટલી જ હોય છે.
જીવનમાં અપેક્ષાઓ જેટલી ઓછી તેટલો આનંદ વધુ.
બારી બહારનાં દશ્યો કલાકો સુધી હું જોયા કરું છું. દૂર દૂર દેખાતા પહાડો, નજીકના રસ્તા, નદીઓ, વૃક્ષો, ખેતરો, ઝડપથી પસાર થતાં ગામો અને શહેરો, કોઈ સુંદર દશ્ય જોતાં તરત થાય છે : ‘નિસર્ગનાં અદ્દભૂત દશ્યોમાં વસી રહી છે વિભુની વિભુતા.’
જીવનયાત્રામાં જેમ તમારા પાડોશીઓ મહત્વના છે તેમ પ્રવાસમાં સહપ્રવાસીઓ પર પ્રવાસના આનંદનો આધાર છે.
આમ તો પ્રસંગ જૂનો છે. હું થાનથી અમદાવાદ જતો હતો. સૌરાષ્ટ્ર જનતામાં બારી પાસે જગ્યા મળી હતી. મારી સામેની સીટ પર એક જુવાન બેઠો હતો. એક નીચે ઊભો ઊભો તેને ભલામણ કરતો હતો. ‘એ સ્ટેશને સ્ટેશને ઊતરતો નહીં, સામે ગાડી આવતી હોય તો ડોકું બહાર કાઢતો નહીં, પાણીવાળાને પહેલાં પૈસા આપી દેતો નહીં, ગાડી ઊપડવા ટાણે ચા મંગાવતો નહીં, ભજિયાં ઠર્યા પછી ખાજે અને થેલો ઓશીકે મૂકીને જાગતો સૂજે. જાતાંવેંત કાગળ લખજે. ઘરના સમાચાર આપજે. બાપાને ઉટાંટિયો થયો છે, પ્રેમજી બાપાને દમ હવે સવારમાં જ ચડે છે. ફઈબા હરદ્વારથી આવી ગયાં છે, કાકીની તબિયત સારી છે. તું કાગળ લખજે.’
મને થયું, નામાસણ આવી ગયું આની વાત પૂરી થઈ પણ ટ્રેન ઊપડી એટલે એ પ્રથમ ઝડપથી ચાલ્યો અને પછી ટ્રેન હારે ને હારે દોડવા મંડ્યો. ભલામણ તો પાછી ચાલુ ને ચાલુ, ‘તુ કાગળ લખજે.’
જુવાન ભલામણ કરતો જાય, ગાડી હારે દોડતો જાય, હું માત્ર જોયા જ કરતો હતો. એ જુવાન બેચરદાસનો બિસ્તરો ટપી ગયો, પતંગલાલ ટેશન માસ્તરની બકરી કૂદી ગયો, સુભાષ હોટલવાળાનાં કપરકાબી ઠેબે ઉડાડ્યાં, હરજી હમાલ હારે ભટકાણો તોય ભલામણનો દોર તેણે પકડી રાખ્યો હતો. ‘તું કાગળ લખજે.’ હવે હું ન રહી શક્યો મેં એને કહ્યું ‘એ ઈ જો નહીં લખે ને તો હું લખીશ, પણ તું હવે ઊભો રહે કાંઈ વાતે ?’ છેવટે જોરુભા હવલદારે વાંહે દોડીને કાંઠલેથી પકડી લીધો ત્યારે ઊભો રહ્યો.
મને થયું : ‘હાશ ! એક આખી સમસ્યા હલ થઈ ગઈ.’
પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ. માનવી સમસ્યાને કઈ રીતે હલ કરે છે તેમાં જ તેની સમજણ સમાયેલી છે. મારે તો એક પૂરી થઈ ત્યાં બીજી શરૂ થઈ.
પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ. માનવી સમસ્યાને કઈ રીતે હલ કરે છે તેમાં જ તેની સમજણ સમાયેલી છે.
મારી બાજુમાં જ બેઠેલા સજ્જ્ને જાણે વર્ષોનો પરિચય હોય તેમ પ્રથમ તેમનું માથું નજીક લાવી, ગંભીર થઈને આગળપાછળના સંદર્ભ વગર વચ્ચેથી જ વાતનો ઉપાડ કર્યો, ‘ગમે તેટલી મોંઘવારી હોય, જીવતર ઝેર થઈ પડ્યું હોય, પાંહે પૈસા હોય કે ન હોય પણ વહેવારમાં રહ્યા વગર છૂટકો?’ મારે કહેવું પડ્યું ‘નથી.’ મને થયું નહીં કહું તો આ કાકા નકામા વહેવારભંગ થઈ જશે. વાત કરનારા કાકા આધેડ ઉંમરના હતા, વળી વાત કરવાનો ઉમંગ એમના હૈયામાં માતો નહોતો. મને થયું હું હોંકારો નહીં દઉં તો મનભંગ થઈ જશે માટે ભલે હૈયુ હળવું કરે. પરંતુ હોંકારો દેવો એ પણ સહેલી વાત નથી એનો કાકાએ મને અનુભવ કરાવી દીધો.
તેમણે કહ્યું : ‘આટલી મોંઘવારી, ઉપરથી કારમી નાણાભીડ અને માથેથી તમારી કાકીના મહેણાં ઓછામાં પૂરું. હારે ને હારે મનસુખે પૈણવા સારુ લીધેલો ઉપાડો. મનસુખનો સ્વભાવ તમે નથી જાણતા. ત્રણ વરસથી મારી વાંહે પડી ગ્યો’તો. ‘બાપા મારું કાંઈક કરો. શેરીમાં બધા એક પછી એક પરણી ગયા. હું જ એક કપાતર રહી ગયો.’ તમારાં કાકીયે રાંદલના ઘોડા જેમ હારે ને હારે પાછાં ટાપશી પુરાવે : ‘છોકરો બચારો સાચું કે છે.’ કાકા કહે : ‘હવે તમે સાચું કહેજો – બૈરાને ઘરે બેઠાં પૈસા કેમ રળાય છે ઈ ખબર પડે ?’ મેં મન દઈને કહ્યું : ‘નો પડે.’ મારી સાથે છ જણાએ કહ્યું, ‘બૈરાને જરાય ખબર ન પડે. કાકા જે કહે છે તે સાચું કહે છે.’ આ ઉપરાંત ત્રણ જણા અમારા વક્તવ્યને સમર્થન આપવા ઉત્સુક હતા તેમના હોઠ પણ ફફડ્યા પરંતુ તેમની પત્નીઓ સાથે હોવાથી કાંઈ બોલી ન શક્યા. ‘હોઠ કાંપે મગર બાત હો ન સકી.’
મુલ્લાં નસરુદ્દીનની બીબી બીમાર પડી ગઈ. મુલ્લાંએ ઉપરથી ગંભીરતાનો દેખાવ કર્યો પણ મનોમન વિચાર્યું, ‘અલ્લાહ કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ.’ માંદગી લંબાઈ. બીબીએ અંતિમ ઘડીએ પૂછ્યું, ‘ખાવિંદ, મારા મોત પછી તમે બીજી શાદી તો નહીં કરો ને ?’ નસરુદ્દીને ખૂબ વિચારીને કહ્યું : ‘તમારી અંતિમ ક્ષણોમાં હું તમને દુ:ખી જોવા નથી માગતો.’ ખાવિંદના સ્વભાવથી પરિચિત બીવીએ કહ્યું, ‘મારા સવાલનો આ જવાબ નથી. મને જવાબ આપો.’ નસરુદ્દીન કહે, ‘જો હા પાડીશ તો તમને દુ:ખ થશે અને જો ના પાડીશ તો મને દુ:ખ થશે માટે ભલાઈ એમાં છે કે સવાલ સવાલ જ રહે.’ આટલી વાતમાંથી ગમે તે પ્રેરણા મળી હોય થયું એવું કે બીબી જાન સાવ સાજાં થઈ ગયાં. પોતે પૂછેલો છેલ્લો પ્રશ્ન એ ભૂલ્યાં નહોતાં. ફરીથી મુલ્લાંને પૂછ્યું, ‘હવે તો મારા પ્રશ્નનો જવાબ આપો.’ મુલ્લાં નસરુદ્દીન કહે, ‘એ તો તમારી માંદગીને લીધે એટલું સાચું બોલવાની હિંમત આવી હતી. હવે તો એ પણ નથી રહી.’
કાકા કહે : ‘સો વાતની એક વાત. આ ચૈતર મહિનામાં મેં મનસુખને પૈણાવી દીધો. પણ ખરચો થયો રૂપિયા સત્યાવીસો. કેટલો ?’ મેં નિર્લેપ ભાવે કહ્યું. ‘સત્યાવીસો.’ મારો જવાબ સાંભળીને કાકાએ આંખ ઝીણી કરી કોઈ ઠોઠ નિશાળિયો ભૂલ કરે અને દક્ષિણી માસ્તર જેવા ચતુર શિક્ષક એ શોધી કાઢે તેમ મારી કોઈ ભૂલ ગોતી કાઢી હોય તેમ તેમણે ઉમંગમાં આવી જઈ પૂછ્યું, ‘તે થાનથી ઘેલાશા બરવાળા સુધી બસે ગયા એના રૂપિયા ચારસો નહીં ગણવાના ?’ ભૂલનો એકરાર કરતો હોઉં તેમ મેં કહ્યું ‘ગણવાના.’ કાકા કહે, ‘તે ખર્ચો થયો રૂપિયા એકત્રીસો. કેટલા?’ વળી મેં કહ્યું ‘એકત્રીસો.’ કાકા કહે : ‘સ્થાનકવાસી જૈન ભોજનશાળાના રૂપિયા બસ્સો ક્યાં જશે ? રૂપિયા તેત્રીસો. કેટલા ?’ વળી મેં કહ્યું : ‘તેત્રીસો.’ ત્યાં તો કાકા કહે, ‘તે દોઢસો રૂપિયા બૅન્ડવાજાવાળાના તમે ચૂકવ્યા’તા ?’ મેં કહ્યું : ‘મેં નહોતા ચૂકવ્યા.’ કાકા કહે, ‘શું જોઈ રહ્યા છો ? રૂપિયા હળવે હળવે કરતાં થયા સાડી ચોત્રીસો. કેટલા ?’ હવે મારો પિત્તો ગયો. મેં મક્કમ થઈ કહ્યું, ‘પાંચ હજાર.’ મારો જવાબ સાંભળી કાકા હેબતાઈ ગયા. મૂંઝાઈને મને કહે, ‘આટલા બધા શેના ?’
મેં કહ્યું, ‘એ આટલી રકમ શ્રી પુરાંત ખાતે જમા રાખજો અને આમાંથી વાજબી ખર્ચો જે થાય તે કરતા રહેજો પણ હવે મને પૂછશો નહીં. ભલા માણસ, તમે મોળા નો પડો એટલા ખાતર હું ખાલી તમને હોંકારો દઉં છું ત્યાં તમે મંડ્યા મને ઘઘલાવા ? આ ડબ્બાના બધા પેસેન્જરોને એમ થાય છે કે તમે મારી પાસે ઉછીના આપેલાં નાણાંની ઉઘરાણી કરો છો.’
કાકાએ બૈરાની કરેલી ટીકાથી કાકી મોકો ગોતતાં હતાં. એમાં મેં આટલું કહેતાં હિંમતમાં આવી ગયાં. કાકાને કહે, ‘ઘણીવાર મેં તમારા કાકાનું નાક વાઢ્યું છે કે મીઠા ઝાડના મૂળ કાઢવાં રે’વા દ્યો પણ સમજતાં જ નથી.’
મને થોડો ગુસ્સે થયેલો જોઈને મારી સામેની સીટ પર છેલ્લે બેઠેલા સજ્જ્ને કહ્યું, ‘ક્રોધ એ એક એવો અગ્નિ છે જેમાં જીવનના તમામ સદગુણો સળગીને ખાખ થઈ જાય છે. ક્રોધનું પરિણામ શું આવે છે ? ક્રોધથી કામ ઉદ્દભવે છે, કામથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશ એટલે વિનાશ, માટે ક્રોધને કાબૂમાં રાખો.’ મેં કહ્યું, ‘પણ ક્રોધને કાબૂમાં રાખવો કઈ રીતે ?’
સત્સંગી સજ્જ્ને કહ્યું, ‘બધું છોડી યોગ પર ચડી જાઓ.’ મકાન ચણાતું હોય ત્યારે કડિયો દા’ડિયાને નિસરણીએ ચડવાનું કહે તેમ તેણે મને કહ્યું. આટલી જ વાત થઈ ત્યાં બે-ત્રણ જણાએ પ્રણામ કર્યા અને એકબે જણા તો નીચે બેસી ગયા. તે સજ્જ્ને જિજ્ઞાસુઓ તરફ એક કરુણાભરી નજર કરી અને યોગ વિશે સમજાવવા લાગ્યા. પ્રથમ તો સ્નાન કરી ઈષ્ટદેવનું સ્મરણ કરી આસન પસંદ કરી પદ્માસન વાળી બેસી જાઓ. તેમણે પદ્માસન વાળીને બતાવ્યું. આજુબાજુના બે પેસેન્જરો ઊભા થઈ ગયા. હવે શરૂ થશે કુંભક, પૂરક અને રેચકની પ્રક્રિયા. સામેની સીટ પર બેઠેલો મથુર રેચક શબ્દ સાંભળી ઊંચો થયો. તેને થયું કબજિયાત દૂર કરે તેવા કોઈ ચૂરણની ચર્ચા ચાલે છે. મથુરે પૂછ્યું, ‘બાપુ, જૂની કબજિયાત હોય તો તે પણ મટી જાશે ?’ સત્સંગી સજ્જને જણાવ્યું, ‘પરિગ્રહરૂપી કબજિયાત મટાડવા યોગ જેવું ઉત્તમ કોઈ ઔષધ નથી.’ અમે કાંઈ પણ સમજ્યા નહીં પરંતુ અમારી અજ્ઞાનતાનું પ્રદર્શન ન થાય એટલા માટે બધું સમજતા હોઈએ તેમ બેઠા રહ્યા. તે સજ્જને આગળ માહિતી આપતાં જણાવ્યું : ‘હવે થોડું ઈડા, પિંગળા અને સુષુમણા વિશે જણાવી દઉં.’ હું ન બોલ્યો પણ વિઠ્ઠલ ન રહી શક્યો. એ પૂછી બેઠો : ‘આ ત્રણે નદીઓનાં નામ છે ?’ આ પ્રશ્ન સાંભળતા જ યોગના ઉપદેશક ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘અજ્ઞાનીઓ માટે યોગ-સાધના અસાધ્ય છે.’ જોકે માત્ર બે જ પ્રશ્નો પુછાયા પછી તેમના અમારા જેવા અજ્ઞાનીઓના ઉદ્ધાર કરવાના ઉત્સાહમાં ઓટ આવી ગયેલ સૌ સ્પષ્ટ જોઈ શક્યા.
પછી તો યમ, નિયમ, ધ્યાન, ધારણાથી સમાધિ સુધીની વાતો આવી, મૂલાધારથી સહસ્ત્રાધાર સુધીનું જ્ઞાન તેમણે ઝડપથી ઠાલવી દીધું. પરંતુ કુંડલિની જાગ્રત કરવાની વાત આવે તે પહેલાં મેં પ્રશ્ન પૂછ્યો, ‘આપે જે કાંઈ કહ્યું તેનો આપને પોતાને અનુભવ છે ? આપે યોગસાધના કરી છે?’
મારો પ્રશ્ન સાંભળી તે મૂંઝાઈ ગયા અને એટલું જ બોલ્યા : ‘મને તો જોકે પૂરતો સમય મળ્યો નથી પણ આ તો આપ સૌને જણાવું છું, કદાચ કોઈને જિંદગીનો સાચો રાહ મળી જાય.’ અત્યાર સુધી તદ્દન મૌન રહેલા એક ભાઈ એટલું જ બોલ્યા : ‘જંગલમાં અટવાયેલો પ્રવાસી અન્યને સાચો માર્ગ બતાવી શકે ખરો ?’ ત્યાં તો અમદાવાદ આવ્યું અને ‘પંખીઓનો મેળો’ વીંખાઈ ગયો.
No comments:
Post a Comment
Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com